Product Description
વૃષાલી : સુતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી
કર્ણ. ભીષ્મ, દ્રૌપદી, અર્જુન, કુંતી, શ્રીકૃષ્ણ - મહાભારતના આ મહામાનવો વિશે આપણે ત્યાં અનેક નવલકથાઓ લખાતી રહી છે. પરંતુ રામાયણ અને મહાભારતમાં ઘણાં એવા પાત્રો છે જેમને પડદા પાછળથી મંચ પર આવવું જોઈએ એવો વિચાર મને સતત આવતો રહ્યો છે. એવું જ એક અતિવિશિષ્ટ પાત્ર એટલે અંગરાજ કર્ણની પત્ની, અંગદેશના મહાઅમાત્ય સુતપુરાણીની પુત્રી વૃષાલી દોઢ દાયકાથી મારા માનસમાં સતત મારી સાથે રહી છે. કર્ણ સાથે સંકળાયેલા મહાભારતના દરેક અગત્યના પ્રસંગે મને તેની આવશ્યકતા દેખાઈ છે. જન્મદાત્રી માતા કુંતીએ જેને ત્યજી દીધો અને પાલક માતાપિતાના સુતકુળથી જેણે સતત નાનમ અનુભવી એ સૂર્યપુત્ર અંગરાજ કર્ણનો મિત્રતાને નામે દુર્યોધને પણ પોતાનો હેતુ સાધવા ઉપયોગ જ કર્યો એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. પોતાના ભાઈઓને ન મારવાનું વચન આપી એ શંખનાદ પહેલાથી જ મહાભારતનું યુદ્ધ હારી બેઠો હતો. જીવનમાં જેણે સતત બધું ગુમાવ્યું જ છે એવા દાનવીર કર્ણના જીવનની એકલતાનો એકમાત્ર ઉત્તર હતી એની પત્ની વૃષાલી, એની પીડાના, અપમાનના, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે એનો પડછાયો બનીને ઉભી હતી સુતપુત્રી વૃષાલી.
આ વૃષાલીની કથા છે પણ એમાં સાથે પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણ છે, યાજ્ઞસેની દ્રૌપદી છે, કર્ણનો પરમ મિત્ર દુર્યોધન અને એની પત્ની ભાનુમતિ છે, અંગરાજની બીજી પત્ની ઉર્વિ પણ છે અને આ બધાં ઉપરાંત મહાભારતની જીવનગાથાને, એ પ્રસંગોને પડદા પાછળથી સતત જોતી, એ વિષે પોતાનો આગવો મત ધરાવતી અને એ મતને સતત પ્રગટ કરતી એક વિદુષી સ્ત્રીનો આગવો દ્રષ્ટિકોણ પણ છે. અહીં મહાભારતની મૂળ કથા સાથે એને એક અલગ વિચારબિંદુથી જોવાનો આગવો અવસર છે.
Additional information
Author | Jignesh Adhyaru |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 375 |
Bound | Paperback |
ISBN | 9789395339704 |
Edition | First |
Subject | Novel |