Product Description
દરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે.
આ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અડવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણો પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.
આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો.
Additional information
Author | Anil Chavda |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 144 |
Bound | Paperback |
ISBN | 978-93-86669-20-9 |
Edition | First |
Subject | Fiction |
Reviews
મોજ અને મોકો મળે ત્યારે લઈ લેવાના....
“પા’ડ ચડનારો માણહ પહેલા પગથિયાથી શરૂઆત કરતો હોય સાયબ,
આવી નાની-નાની ભૂલુંનાં પગથિયાં ચડીને માણાં ચાણે મોટા ગુનાની ટોચે પોંચી જાય એની ખબરેય નો રેય”....
****
રાત્રે ૦૯.૩૦ એ રેન્ડિયર્સ હાથમાં લીધી અને શરુ થઈ છાત્રાલય લાઈફની કથા.
અનિલ ચાવડાની બુકના સબટાઇટલ્સ ‘જિંદગીના વળાંક લેતા વરસની કથા’ને યથાર્થ ઠેરવતી નવલકથાએ મને પણ મારી હોસ્ટેલલાઈફના ભૂતકાળમાં ગરકાવ કરી દીધો. કૂલિયાથી શરુ કરીને મૂછોના ઉતારના ગૃહપતિ સુધીની વાર્તા એકી બેઠકે વાંચવા મને મજબૂર કરી દીધો.
આહાહાહા... દરેક પાત્રોનો પોતાનો મિજાજ અને તમારા શબ્દોએ જે કલેવર ચડાવ્યા છે એ હજી તાદૃશ નજર સામે તરવરે છે. “સુખડીપુરાણ” અને “ હમ દિલ દે ચુકે સનમ”એ તો ખૂબ હસાવ્યા. સોમલાના ભૂતે અને વાળઉછેર કેન્દ્રે પણ ખૂબ મજા કરાવી તો અંતિમ બે પ્રકરણે આંખોના ખૂણા ભીના કર્યા.
‘રેન્ડિયર્સ’ વિશે વધારે લખીને સ્પોઈલર નથી બનવું. ક્યાંય રસભંગ થાય એમ છે જ નહી અને મધરાતે ૦૧.૩૦એ આખી નવલકથા વાંચે પાર કરી. પ્રિય અનિલભાઈને નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન અને આ પુસ્તક અનેકાનેક સોપાન સર કરે એવી શુભેચ્છાઓ....
અમારી હોસ્ટેલ લાઈફની જર્ની પણ આવી જ કૈક છે, પણ એ વિશે વિગતે ફરી ક્યારેક.
જેમણે હોસ્ટેલલાઇફ જાણી છે, માણી છે એ બધાએ જરૂરથી વાંચવા જેવી નવલકથા છે અને જેમણે હોસ્ટેલલાઇફનો કે છાત્રાલયનો અનુભવ નથી એમણે તો જરૂર ને જરૂરથી વાંચવા જેવી છે. મેં મારા હોસ્ટેલના અંગત મિત્રોને ભેટ આપવા માટે બૂક કરાવી લીધી છે. અને તમે??? (Posted on 3/15/2021)
.... કિરણ ચૌધરી 'કિસંગ' (Posted on 3/15/2021)
આપની નવલકથા રેન્ડિયર્સ વાંચવાની ખૂબ મજા આવી, જલસો પડી ગયો. નવલકથા ઓછી અને જાણે એક ફિલ્મ જોતા હોય એવું લાગ્યું. એક એક દ્રશ્ય આંખની સામે ભજવાતું હોય એવું લાગ્યું. ખૂબજ સરળ, પ્રવાહી ભાષામાં એની રજૂઆત છે. કથા અસ્ખલિત વહે છે. ક્યાંય રસભંગ નથી થતો કે નથી આવતો કંટાળો. શીર્ષક પણ નવલકથાને બંધબેસતું છે. છેલ્લું પ્રકરણ આંખોના ખૂણા ભીંજવી દે એટલું બધું સુંદર લખાયું છે. છેલ્લા બંને પ્રકરણો નવલકથાને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. એક કવિની કલમે જ્યારે આવી સુંદર નવલકથા સર્જાય છે ત્યારે એ વધુ વિશિષ્ટ બની રહે છે. ખૂબ ખૂબ વધાઈ અને તાળીઓના ગડગડાટ સાથે નવલકથાના ક્ષેત્રમાં તમારું ઉષ્માભર્યું સ્વાગત છે.
- જીમીત મલ (Posted on 3/11/2021)
The writer smartly woven each thread of school-college-hostel life in the story with realistic characters, full of humor and energetic teenage friendships.
It takes just one seating to go through and so much is reflecting in the heart of reader while going through.
Congratulations to Anil Chavda for such a wonderful book and I am thirsty for more from him... (Posted on 3/9/2021)
તરુણાવસ્થાના મનને, તેમની ભાવના-લાગણીને આ નવલકથામાં સુંદર રીતે લેખક વણી લેવામાં સફળ થાય છે. શિક્ષકોએ તો ચોક્કસ વાંચવા જેવી નવલકથા. અને હા વિદ્યાર્થીઓ ને ભેટમાં આપવા જેવું પુસ્તક.
અનિલ ભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન (Posted on 3/9/2021)
૪ તારીખે જ્યારે સાંજે લગભગ પાંચ વાગ્યે રેન્ડિયર્સ કુરિયરથી ઓફિસના સરનામા પર મળી હું કામ પતાવી બેઠેલો હતો.થયુ કે પ્રસ્તાવિક આભાર વાંચી લઉં પછી આખું પુસ્તક શાંતિથી વાંચીશ પછી મારી નજર આગળના શબ્દો પર પડી. મારું નામ છે કૂલિયો. અને પછી તો હું સ્થિર નજરે આગળ વાચતો જ રહ્યો. સાંજ વિતી ને રાત થવામાં હતી એનો પણ મને ખ્યાલ ન'તો રહ્યોં. પ્રકરણ એકથી ચૌદ તો હું ઓફિસમાં જ પતાવી બેઠેલો ઘરે આવી ને થોડીવાર ફરી વાંચન શરું કરી દિધું. એવુ જરાય ન'તુ કે પુસ્તક ખાલી પતાવવા ખાતર પતાવી જ દેવું.પણ શબ્દો અને પાત્રોથી મને છુટું ન પડી શકાયું. પાંચ મિત્રોમાં ક્યાંક મને હુ ખુદ પણ દેખાતો હતો.એ પાત્રો સાથે હું ક્યાંક ખુલ્લા મોઢે હસ્યો છું, ક્યાંક ઉંડા વિચારોમાં ઉતર્યો છું વડી ક્યાંય ભુતકાળમાં પણ ભમી આવ્યો.મને નવલકથમા પન્નાલાલ પટેલ હંમેશા પોતિકા લાગે છે. જ્યારે રેન્ડીઅર્સ વાંચી ત્યારે એવું ફિલ થયુ જાણે શબ્દો થકી મારી સ્કુલ લાઈફ ને ફરી જીવ્યા નો અનુભવ થયો.રેન્ડિયર્સ વાંચી પછી મને અનિલ ચાવડા પણ પન્નાલાલ ની જેમ બઉ પોતિકા લાગ્યા. કવિ .ખૂબ પ્રેમ ❤️ રેન્ડિયર્સ આપવા બદલ દિલથી આભાર (Posted on 3/9/2021)