Product Description
1990ના દશકમાં પોતાના દુન્યવી સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે 18 વર્ષના એક યુવકે ઑસ્ટ્રેલિયા ભણી દોટ મૂકી. જરૂરી આધાર અને મૂડીના અભાવે, ત્યાં ટકી રહેવા માટે એમણે કઠોર સંઘર્ષ કરવો પડ્યો; જેના બે વર્ષ બાદ તેઓ પ્રતિ વર્ષ 2,50,000 ડોલરની કમાણી કરવા માંડ્યા. 26 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ કરોડપતિ બની ચૂક્યા હતા. આમ છતાં, એમની આ સાંસારિક સફળતા તો વર્ષો પૂર્વે શરૂ થયેલી આંતરિક યાત્રાનો એક પડાવમાત્ર હતી!
8 વર્ષની ઉંમરમાં એમણે પોતાના સ્વપ્નમાં ઈશ્વરના દર્શન કર્યા, જેણે એમને પરમાનંદ અને શાંતિની અવસ્થા સુધી પહોંચાડી દીધા હતા. આ સ્વપ્નને કારણે એમના ચિત્તમાં ઈશ્વરના સાકાર સ્વરૂપના દર્શન અને મિલનની મહેચ્છા પ્રગટ થઈ. એમણે જ્યોતિષશાસ્ત્ર, તીવ્ર ધ્યાનયોગ અને તંત્રસાધનાનો માર્ગ પકડ્યો; છતાં ઈશ્વરના દર્શન સંભવ ન બન્યા. તેઓ અંદરથી ખળભળી ઉઠ્યા. ભીત્તર ચાલી રહેલી આ વ્યાકુળતાથી ધ્યાન હટાવવા માટે એમણે સાંસારિક પ્રવૃત્તિઓમાં પોતાની જાતને વ્યસ્ત કરી દીધી.
વર્ષો સુધી સુખરૂપ જીવન પસાર કર્યા પછી એમને લાગ્યું કે તેઓ પોતાના અંતરમનમાં ધરબાયેલી અશાંતિને હવે વધુ અવગણી નહીં શકે; ભૌતિક સુખો હવે અંતરમાં વ્યાપ્ત શૂન્યાવકાશને ભરવા માટે સક્ષમ નહોતાં. અંતે, ભારત પરત ફરીને એમણે એક એવું પગલું ઉઠાવ્યું, જેનું સ્વપ્ન એમણે હંમેશાથી સેવ્યું હતું... સંસારનો ત્યાગ કરીને તેઓ સાધુ બની ગયા.
હિમાલયની સ્મશાનવત્ શાંતિ અને એકાંતવાસ વચ્ચે ઓમ સ્વામીએ ધ્યાનયોગની તીવ્ર સાધના આરંભી. વાતાવરણની પ્રતિકૂળતા, ભૂખમરો અને જંગલી પશુ-પ્રાણીઓને કારણે મૃત્યુ સતત એમની આસપાસ રહ્યું! સાધનાના બળ ઉપર આખરે એમનો પરમસત્ય સાથે સાક્ષાત્કાર થયો: ‘હું જેની શોધમાં હતો, એ હું સ્વયં જ છું.’
વર્તમાન સમયના પડકારરૂપ અને મોટેભાગે ભ્રામક કહી શકાય એવા યુગમાં આધ્યાત્મિક જીવનના નિર્માણનું વર્ણન કરતાં સંસ્મરણોનું આ પુસ્તક – સત્ય કહું તો... (IF TRUTH BE TOLD) – જીવનયાત્રામાં આપ જ્યાં પણ હો, ત્યાંથી આપનો પથ પ્રદર્શિત કરવાનું કાર્ય કરશે.
Additional information
Author | Om Swami |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 264 |
Bound | Hard Bound |
ISBN | 978-93-93237-65-1 |
Edition | First |
Subject | Spirituality |