Product Description
મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. આ પગદંડીઓ મને સરળતાપૂર્વક નથી મળી, એ સ્વીકારવું રહ્યું. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું.
‘અઘોરેશ્વર’ના આગમન બાદ હવે હું વાચકોને સાથે રાખીને અધ્યાત્મ-સાગરમાં ખૂબ ઊંડે ડૂબકી લગાવવા જઈ રહ્યો છું. આ અફાટ-અનંત સમુદ્રને કોઈ કિનારો નથી. એનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે.
સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરમાર્ગની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે.
મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે.
Additional information
Author | Parakh Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 150 |
Bound | Paperback |
ISBN | 978-93-93226-15-0 |
Edition | First |
Subject | Spiritual |