Product Description
ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઈ ગયેલો એક કૉલેજિયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સૂરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.
એને ગમતું કામ ખબર નથી.
જે કામ કરે છે એ ગમતું નથી!
એને જીવવું કેમ એ ખબર નથી.
જે જીવે છે એ ગમતું નથી!
પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી
બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!
યાંત્રિક જિંદગીથી દૂર.
સમાજથી દૂર.
મા-બાપથી દૂર.
પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનીની આત્મખોજ. સત્યની શોધમાં પોતાના સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા—
નોર્થપોલ
ગુજરાતી મૉર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે.
— પ્રકાશક
Additional information
Author | Jitesh Donga |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 322 |
Bound | Paperback |
ISBN | 9789386669322 |
Edition | Reprint |
Subject | Fiction |
Reviews
આમ તો આ અવતરણ 1941 માં શ્રી રમણલાલ વ.દેસાઈ ની નવલકથા “છાયાનટ” નું છે પણ વાત્સાયન વાળું વાક્ય આ નવલકથા ને થોડે ઘણે અંશે લાગુ પડતું હોય એવું લાગે છે.
"મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખવો. સહકુટુમ્બ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જવું."
- શાહબુદ્દીન રાઠોડ.
ઉપરની બે પંક્તિઓ સાથે બહુ દુઃખ સાથે “નોર્થપોલ” નું નકારાત્મક અવલોકન શરૂ કરવું પડે છે.
અને ત્રીજું મારું પોતાનું અવલોકન
”જો નવલકથા ગાળો અને બે પાત્રો વચ્ચેના બિનજરૂરી ઉતેજક વર્ણનો ટાળીને થોડી નાની બનાવી હોત તો આંતર રાષ્ટ્રીય કક્ષાની નવલકથા બની શકી હોત.”
અત્યારની નેવું ટકા યુવા પેઢીને ઉતારી પાડતી અને દશ ટકાને વહાલા થવા મથતી શરૂઆત નવલકથા “નોર્થપોલ”માં દેખાય છે.બિનજરૂરી ગાળો અને બિનજરૂરી ઉતેજક વર્ણનો થી ભરપૂર આ નવલકથા એનાં સારાં પાસાંને ઢાંકી દે છે એ વસ્તુ આ નવલકથાના લેખક શ્રી જીતેશ દોંગા સમજ્યા લાગતા નથી.બેક કવર પર નવલકથા ના નાયક અંગે "એકવીસમી સદીના બુદ્ધ ની સફર" માં મહાત્મા/ભગવાન બુદ્ધનો ઉલ્લેખ ટાળ્યો હોત તો ઉચિત રહેત.બીજું વાક્ય “ગુજરાતી મોર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથા વાંચવા પ્રેર્યો છે.” આ વાક્ય પણ આપણા ઉચ્ચ કોટિના ગુજરાતી સાહિત્યનુ અને યુવા પેઢીનું અપમાન નથી?
અહી એક આડવાત.મારી 27 વર્ષની બેન્કિંગ કારકિર્દી નો શ્રેષ્ઠ સમય વિદ્યાનગર બ્રાન્ચ નો કહી શકાય.કેશિયર હોવાને નાતે નવી પેઢીનું ઘણું અવલોકન કર્યું છે એમની સાથે ઘણું કોમ્યુનીકેટ પણ કર્યું છે અને ઘણું શીખ્યો પણ છું. મારો નેવું ટકા અનુભવ યુવા પેઢી સાથે સકારાત્મક જ રહ્યો છે.
મારા માંટે સૌથી આશ્ચર્યની વાત એ છે કે “રામબાઈ” કે જે કાઠીયાવાડ ની ભોળી અભણ સ્ત્રી છે તેનાં પર લખનાર લેખકની એવી તે શી મજબૂરી રહી હશે કે “નોર્થપોલ” માં આટઆટલી ગાળો લખવી પડી? જો કે મારી “રામબાઈ”નવલકથા વાંચવાની બાકી છે પણ આ પુસ્તકમાં જે રીતે લખ્યું છે તે જોતાં લેખકનું તે એક ઉત્તમ સર્જન હશે જેના પર તેનાં સંતાનો ગર્વ લઇ શકશે.ખાલી Disclaimer મૂકી દેવાથી પણ જવાબદારી માંથી છટકી નથી જવાતું.
લેખકે અત્યારની પેઢીના frustration ને હુબહુ રજુ કર્યું છે એમાં ના નહી.આજની તારીખે પણ ઘણા યુવાનોને ટકાના અભાવે,નાણાના અભાવે કે માં-બાપના દુરાગ્રહ કે emotional બ્લેકમેઈલીંગ સામે હારી જઈને અણગમતી લાઈનો લેવી પડતી હોય છે.પણ એના માંટે ગાળો નો ઉલ્લેખ ટાળી શકાયો હોત.એકસો વર્ષ પહેલાંની નવલકથા ઓ આજે પણ,હા આજે પણ, અને તે પણ યુવાનોમાં વંચાય છે એ બાબત ભાઈ શ્રી જીતેશ દોંગા કાં તો ભૂલી ગયા છે અથવા આંખ આડા કાન કર્યાં છે.કલ્પના ની પાંખો ઉપર એટલું પણ ન ઉડવું જોઈએ કે બ્રહ્માંડ ની બહાર નીકળી જવાય!!!!!
"નોર્થપોલ" નો આ ડાયલોગ એકદમ ટચી કહી શકાય એવો છે “મારે કોમનમેન નથી બનવું યાર.મારું મન કહે છે તેવું જીવીને દેખાડવું છે.મારે આ સોસાયટી એ બનાવેલા ચોકઠાંમાં મારી જાતને સેટ નથી કરવી યાર.મારે દુનિયાને દેખાડી દેવું છે કે હૃદયના ઊંડાણમાં પડેલાં સપનાઓને ઉલેચીને પણ તમે જીવી શકો છો.”
ડાયરી લખવાની ચાલુ કરવી અને પછી જીવનમાં કશું નવું નથી બનતું એવું લાગે ત્યારે લખવાનું બંધ કરી દેવું એવું પણ આજકાલ ઘણા કિસ્સાઓમાં જોવા મળતું હોય છે.અને એવું પણ બનતું હોય છે કે ગામડાંઓના ખેડૂતોએ દેવું કરીને શહેરમાં મોકલેલા દીકરાઓ શહેરમાં જઈને ખોટી સોબતોમાં ફસાઈને અવળે માર્ગે ચડી જતા હોય છે.ખાલી ગોખણપટ્ટી ના સહારે આગળ વધી ગયેલા અને જ્ઞાતિ આધારિત અનામત નો લાભ લઈને એડમીશન મેળવેલ વિદ્યાર્થીઓ જયારે placement વખતે select થઇ જાય છે ત્યારે થતો ચચરાટ પણ હકીકત છે.અને એટલે જ ઘણીવાર આપણા દેશનું યુવાધન બહાર વિદેશમાં સેટલ થતું જોવાં મળે છે.
નવલકથા માં નાયક ગોપાલ ને વારંવાર રડતો બતાવ્યો છે તે મને ગમ્યું અને એનું કારણ એ છે કે આજનો સમાજ છોકરો જન્મે ત્યારથી "પુરુષ સ્ટ્રોંગ હોય, રડે નહીં" એમ કહીને એને થોડો લાગણીહીન બનાવતો હોય છે.
આ અવતરણ ને વાસ્તવિકતા કહેશો કે નિરાશાવાદ?
" પણ શું કામનું બાપુજી? આ ડિગ્રી લઈને હું પણ હજારો ઘેટાં - બકરાં જેવા એન્જિનિયરોના ટોળામાં જોડાઈ જઈશ ઊંધું ઘાલીને.નથી કોઈ દિશા,નથી કોઈ સપનાં.બસ ઊંધું ઘાલીને જોબ કરતો રહીશ. મારે એવું નથી બનવું બાપુજી."
આ વાક્ય પણ સાચું છે." ના બાપુજી... એવું ન હોય.જેવા છીએ એવા સ્વીકારીએ તો ક્યારેય આગળ નહીં આવીએ."
તો આ વાક્ય પણ ક્યાં ખોટું છે."તે પસી જેવા નથી એની વાંહે બળતરા કરીને આગળ આવીએ ખરા?"
જેમ શેર માર્કેટમાં સફળતાની સાચી ખોટી સ્ટોરી ઓ ફરતી હોય છે એવું જોબ માર્કેટમાં પણ હોય જ છે.ઘણીવાર આવી સ્ટોરીઓ ને ગંભીરતા પૂર્વક લઈ ઘણા યુવાનો નિરાશાની ગર્તા માં ડૂબી જાય છે.માતા પિતા,કુટુંબ આડોશી પાડોશીઓ સહીત સમાજ અપેક્ષાઓ નો ભાર આજના યુવાન માથે લાદતો હોય છે તેનું ઉદાહરણ રૂપ આ અવતરણ “પથ્થર જેવાં નિર્જીવ અને ભારે સપનાંઓ જે બેગને એટલી વજનદાર બનાવી રહ્યાં હતાં કે બેગ આ બાવીસ વર્ષના યુવાનના ખભાને ઝુકાવી દેતી હતી.”
બીજાં થોડાં એકદમ મસ્ત અવતરણો આ રહ્યાં,જે નવલકથા ને વાંચવાનું ચાલુ રાખવા પ્રેરે છે.
“કોઈ કારણ વિના,દરેક વસ્તુ,દરેક સિસ્ટમ,દરેક નબળા માણસ અને તારી જાત પ્રત્યે ગુસ્સે થા,નિરાશ થા,જિંદગી જેવી છે,જેવી દેખાય છે તેવી સ્વીકાર ન કર.લાઈફ ને હલાવી નાખ.બદલાવી નાખ.યાદ રાખ બેટા : દુનિયા તારા કરતાં વધુ સ્માર્ટ માણસોથી બનેલી છે જ નહી.બધા ટોપા ઓ છે,મુર્ખાઓ છે.”
“જે માણસ યુવાનીમાં ગુસ્સે થઈને પરિસ્થિતિ પર થુંકતો નથી તેના પર પરિસ્થિતિ થૂંકી બેસે છે.”
‘ખુલ્લી આંખે મર.એક તો દુનિયાથી હારીને ભાગવું છે અને પાછું આંખો બંધ કરીને મારવા પડવું છે.તાકાત હોય તો ખુલ્લી આંખે પાણીમાં પડીને મરી જા.”
થોડા વાંચન ના શોખે એક વસ્તુ ખાસ જોઈ છે કે મોટા મોટા લેખકો વાર્તાની જમાવટ સારી,ખૂબ સારી,કરતા હોય છે પણ પછી પોતે જ ગુંથેલી જાળમાં જ એવા અટવાઈ જતા હોય છે કે છેલ્લે ‘ઓટો ગોટો ને પરમેશ્વર મોટો’ એ કહેવત જેમ કથાવાર્તા ઓચિંતી પૂરી કરી નાખતા હોય છે.આ નવલકથા માં થોડે ઘણે અંશે મને એવું લાગ્યું છે.
બીજી એક વસ્તુ એ પણ ધ્યાન ખેંચવા લાયક રહી કે “નોર્થપોલ” ની શરૂઆત થી ગોપાલ ને એના પેશન માંટે અટવાતો બતાવ્યો છે,ઝઝૂમતો બતાવ્યો છે. પણ છેલ્લે જયારે એનું પેશન જે શોધે છે તે એટલું સાદું અને સાદી રીતે બતાવ્યું છે કે નથી સસ્પેન્સ ફીલ થતું કે નથી થ્રીલ અનુભવાતી.
“નોર્થપોલ” વાંચતી વખતે મને એક પ્રશ્ન સતત એ પણ સતાવતો રહ્યો કે પિતાને આદર્શ માનતાં પોતાનાં જ સંતાનોના હાથમાં જયારે આ નવલકથા આવશે ત્યારે તેમનાં reaction શું હશે? એ બાજુનો વિચાર શ્રી જીતેશ દોંગા ને નહીં આવ્યો હોય?
ટૂંકું અને ટચ no comments please.
રાહુલ વોરા – ગાંધીધામ (Posted on 3/13/2024)