હિન્દી ફિલ્મોના સફળ અને દિગ્ગજ અભિનેતાનું મલેશિયાની હોટેલના સ્ટીમરૂમમાં રહસ્યમય મોત થાય છે. મીડિયાના અહેવાલો અને પોલીસની તપાસ પરથી તેનું ખૂન થયું હોવાની સંભાવના ઊપજે છે. તેના મૃતદેહને અગ્નિદાહ દેવાની સાથે જ પરિવારમાં તેની અઢળક સંપત્તિ અને સંતાડી રાખેલી કૅશ હડપી લેવા માટેના વિખવાદો અને ષડ્યંત્રો શરૂ થઈ જાય છે. આ દરમિયાન તેના જીવન પર પીએચ.ડી. કરનાર તેનો ચાહક એવો ગુજરાતી યુવાન તેના જીવનની અજાણી હકીકતો જાણવા તેના આલીશાન બંગલાની મુલાકાત લે છે, પરંતુ આ પ્રથમ મુલાકાતમાં જ તેને આ બંગલો, તેના ઓરડા, બગીચો અને વાતાવરણ ચિરપરિચિત લાગે છે. એ પોતે અહીં રહેતો હોય એમ કેટલીય હકીકતો છતી કરે છે. જાણે કે તેના ચહેરા પાછળથી અભિનેતા જ ન બોલતો હોય...!! યુવાનની આ શક્તિથી અચંબિત અભિનેતાની દીકરી તેના તરફ આકર્ષાય છે, અને આ વિકટ સંજોગોની વચ્ચે આકાર લે છે એક પ્રેમકથા.
એક તરફ છે દિવંગત અભિનેતાના લગ્નનેતર સંબંધની વફાદારી તો બીજી તરફ છે પોતાની જ પત્નીનો પ્રપંચ. એક તરફ છે એક અન્ડરવર્લ્ડ ડૉનની સાચી મિત્રતા તો બીજી તરફ છે હાઈ પ્રોફાઇલ રાજકારણી તરફથી થતો વિશ્વાસઘાત. એક તરફ છે ફિલ્મઉદ્યોગની ચકાચૌંધ તો બીજી તરફ એક કહેવાતી જાહોજલાલી વચ્ચે વ્યક્તિગત જીવનનો ખાલીપો અને અધૂરપ.
લાલચ, સ્વાર્થ અને ષડ્યંત્રની સામે ન્યાય અને સાચા પ્રેમની જીત પ્રસ્થાપિત કરતી કાજલ ઓઝા વૈદ્યની આ નવલકથા અપાર લોકચાહના મેળવી ચૂકી છે.