ટૂંકી વાર્તાઓથી લાંબા પરંતુ નવલિકાથી ટૂંકા એવા સાહિત્યપ્રકારમાં લખાયેલી ચાર કથાઓ થોડી બેબાક અને બિન્દાસ હોવા છતાં તેમાં સંવેદનોની ઋજુતા છે. ઢળતી ઉંમરે ઉગતા સંબંધોથી લઈને ઉગતી ઉંમરે ઢળી જતા સંબંધોની હિંમતભરી સફર આલેખવામાં આવી છે.
સાસુ અને વહુ વચ્ચે સેતુ બનીને ઉભેલો દીકરો અપેક્ષાઓના ભારથી તૂટી જાય ત્યારે બે અંતિમ જોડાવાની શરૂઆત થાય છે. એકાકી વૃદ્ધ દંપતીના જીવનમાં પેઈંગ ગેસ્ટ બનીને આવેલો યુવાન દીકરાનું સ્થાન લઈ લેતા જીવવાની નવી આશા જાગી ઊઠે છે. પોતાના જીવનસાથી ગુમાવી ચૂકેલા બે જણ વચ્ચે રચાયેલું મિત્રતાનું સમીકરણ સમાજને સ્વીકાર્ય ના હોવા છતાં પોતાની કેડી કંડારે છે. શરીર સુખની નજાકતથી તદ્દન અજાણ એવા પતિનાં કઠોર વલણથી પત્નીનાં રોમાન્ટિક અરમાનો અધૂરાં રહી જાય છે અને બંને વચ્ચે અંતર આવી જાય છે. પરંતુ બંનેના જીવનમાં આવેલા આગન્તુકો તેમને શારીરિક સંબંધની સાચી પરિભાષા સમજાવી સુખદ લગ્નજીવન તરફ દોરી જાય છે.
આ કથાઓમાં સવારની તાજગી છે, બપોરનો ધોમધખતો તાપ છે, સાંજના રંગો છે અને રાતની શીતળતા છે. કોમ્પ્લેક્સ છતાં કોમળ, ડિફીકલ્ટ છતાં ડીપ, પ્રોબ્લેમેટીક છતાં પ્યોર એવા માનવ મનનો ચિતાર આપતી આ કથાઓ બદલાતી જીવનશૈલીની માનવીય સંબંધો પર થતી અસરોને આબાદ ઝીલે છે. લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની કલમે લખાયેલ આ વાર્તાઓ સમય સાથે બદલાતા જતા માનવીય સંબંધોને નવી રીતે સમજવાનો દૃષ્ટિકોણ પૂરો પાડે છે.