ખેડા જિલ્લામાં નડિયાદ પાસેનું પિજ ગામ કેવી રીતે ભારતમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યું અને ભારતને સ્પેસ એજમાં લઈ જવાના સપના સેવનાર ગુજરાતના સપૂત વિક્રમ સારાભાઈએ કેમ રૉકેટ સાયન્સમાંથી થોડો સમય ફાળવી ટીવી સેટેલાઇટ પર કામ કરવાનું નક્કી કર્યું?
પોપકોર્નના દાણામાં સ્ટાર્ચરૂપે રહેલા ફક્ત 14% ભેજના કારણે કેવી રીતે ડૂબવાના આરે પહોંચેલી કરોડોની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નામશેષ થતા બચી ગઈ?
રસ્તા પર થૂંકી દેવાયેલી ચ્યુઇંગમમાંથી પણ હવે ડી.એન.એ. મેળવી થૂંકનારનો આબેહૂબ ચેહરો પોલીસ લૅબમાં ઊભો કરી ક્રિમિનલ્સને કેવી રીતે પકડે છે?
ફિલ્મની પટ્ટી બનાવતી કંપની કોડકે કેવી રીતે અમેરિકાના એટમ બૉમ્બ બનાવાના ‘ટોપ સિક્રેટ પ્રોજેક્ટ’ની પોલ છતી કરી?
કુદરતના નેચરલ સિલેક્શનના મુકાબલે માનવીના ‘આર્ટિફિશિયલ સિલેક્શન’ વડે કેવી રીતે 12 હજાર વર્ષ પહેલાં વરુઓમાંથી ઉત્ક્રાંતિ પામીને કૂતરા આ પૃથ્વી પર અવતર્યા?
દુનિયાને ભૂખમરાથી બચાવાયા વૈજ્ઞાનિકોએ પોતે ભૂખમરો વેઠીને બીજા વિશ્વયુદ્ધ વખતે પાર પાડેલો ‘સ્ટારવેશન એક્સ્પરીમેન્ટ’ શું હતો?
કુદરતમાંથી કાપલી કરીને બાયોમિમિક્રી વડે વિજ્ઞાનીઓ કેવી નવી શોધો કરશે, જે પૃથ્વી પર પ્રદૂષણ નાથવામાં મહત્ત્વની સાબિત થશે?
રોજબરોજની અચરજ પમાડતી દુનિયાને વિજ્ઞાનના ચશ્માં ચડાવી રસાળ અંદાજમાં રજૂ કરાયેલાં આ પુસ્તકમાં માહિતી અને જ્ઞાનની સાથે એવી રોચક સત્યકથાઓ છે, જે ભાગ્યે જ ગૂગલ અથવા વીકીપીડિયામાં જડે. વર્ષોના રિસર્ચ બાદ પ્રસ્તુત કરાયેલા પ્રકરણ વાંચવા અને માણવા વિજ્ઞાન સાથે અગાઉથી કોઈ નિસબત હોવી જરૂરી પણ નથી એવી સરળ ભાષામાં લખાયેલાં પુસ્તકની ચકાસણી જાતે જ એકાદ પ્રકરણ વાંચીને કરી જુઓ. પછી કહેશો કે બાકી બધું પછી, પહેલા ‘સાયન્સ પ્લીઝ’.