ઑક્સિજન, એક એવો વાયુ જેને રંગ નથી, ગંધ નથી અને સ્વાદ નથી. અને, તેના વગર જીવન શક્ય નથી. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો ઑક્સિજનનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે તે કોષોના વિકાસ માટે, ડીએનએના મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે, પ્રકાશસંશ્લેષણ માટે, અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવતા ઓઝોનનું સ્તર બનાવવા માટે જરૂરી છે. તેનો સૌથી અગત્યનો ગુણ એ કે પૃથ્વી ઉપરના દરેક સજીવને શ્વાસ લેવા માટે તે અનિવાર્ય છે. માટે જ તો આપણે તેને પ્રાણવાયુ કહ્યો છે.
પણ, આ પુસ્તક ઑક્સિજન વાયુ ઉપર નથી. આ પુસ્તક એવા લોકો ઉપર છે, જે પોતાના ઉત્તમ કર્મોથી, ઉચ્ચ વિચારોથી, લાગણીસભર વર્તનથી, પ્રેમ અને સેવાભાવનાથી અન્ય લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવે છે. એવા લોકો સાચા અર્થમાં આપણી માનવતામાં પ્રાણ પૂરે છે. માટે, આ ઑક્સિજન એવા લોકોની વાતો છે, જે સમાજના શ્વાસ પૂરે છે.