વિશ્વના કોઈ પણ દેશમાં, કોઈ પણ ભાષાના અખબારમાં, કોઈ પણ ડૉક્ટરે પોતાના દર્દીઓ સાથેના પ્રસંગોને જીવનરસમાં ઝબોળીને રજૂ કર્યા હોય અને તે ત્રણ-ત્રણ દશકો સુધી વાચકોએ વધાવ્યા હોય તેવી ઘટના ગુજરાતની બહાર ક્યાંય ઘટિત થઈ નથી. એવું પણ નથી કે આવા પ્રયત્નો થયા નથી, જરૂર થયા છે, પણ વાચકોએ સ્વીકાર્યા નથી.
જેવી રીતે આપણા મહાન સાહિત્યકાર શ્રી મેઘાણીએ ગામડાની ધૂળ ફંફોસીને, ઝૂંપડાંઓમાં ફરીને, અભણ ગ્રામ્યજનોને મળીને અણમોલ કથાઓને વીણીને પોતાની શૈલીમાં અમરતા બક્ષી દીધી છે એવી જ મહેનતથી મેં પણ સાવ અજાણ્યા ડૉક્ટરોને મળીને, એમના અનુભવોના હડપ્પાનું ઉત્ખનન કરીને માણસાઈના દીવાઓ શોધી કાઢ્યા છે અને ગુજરાતીઓ સમક્ષ પ્રકાશિત કર્યા છે.