ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે, તેમ તેમ પાસ્કલનું આ વિધાન મને વધુ સ્પષ્ટતાથી સમજાતું જાય છે.
પોતાની જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ થઈ જવું, એ મનુષ્યની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જગત સાથે ભાઈબંધી કરતાં પહેલાં જાત સાથે મિત્રતા કરવી પડે છે. જેઓ પોતાનું કાયમી સરનામું પોતાની જાતમાં નથી શોધી શકતા, તેઓ સતત કશાકની શોધમાં રહે છે. કાં તો પ્રેમની ને કાં તો પ્રશંસાની, કાં તો મિત્રતાની ને કાં તો મનોરંજનની, કાં તો સુખની ને કાં તો સંબંધની.