ક્યારેક જ્યારે એવું લાગે કે જીવનમાં ખુશબૂ ઓછી અને કાંટા વધી પડ્યા છે, ત્યારે આ ગુલદસ્તો ભાર હળવો કરવામાં ઉપયોગી થઈ શકશે. દરેક માણસની દિનચર્યા વધુને વધુ વ્યસ્ત બનતી જાય છે, વધુને વધુ તણાવગ્રસ્ત બનતી જાય છે. દરેક પ્રભાત નવો પડકાર લઈને આવે છે. નવીન સવાર માટે અને નવીન સંજોગો માટે નવીન ઊર્જા જોઈએ, નવીન દૃષ્ટિકોણ જોઈએ, નવીન ધબકાર જોઈએ. સાદી, સરળ અને રસાળ શૈલી ધરાવતા આ ચિંતનપુષ્પો જીવનમાં પોઝિટિવ એટિટ્યુડની સુગંધ પાથરવામાં મદદરૂપ થશે. ગુલદસ્તો એ સુવાસસંગ્રહ છે જે દિનચર્યાને મઘમઘતી બનાવવામાં લાભકારક થશે. આ એવા વિચારકુસુમો છે જે કોઈક રીતે જીવનની કંટકિત કેડીઓમાં સતત સાથી બની રહેશે.