ખાખી મની
થોડાં વરસો પહેલાં એક સમાચારે થોડી ચકચાર જગાવી હતી. સુરતથી મુંબઈ જઈ રહેલી કારમાંથી લાખો રૂપિયા પકડાયા હતા. માહોલ ચૂંટણીનો હતો એટલે સ્વાભાવિક રીતે રૂપિયા કોના હતા અને કોને પહોંચવાના હતા એ વિશે શાસક અને વિપક્ષોએ એકબીજા પર આક્ષેપબાજી કરી ને થોડા વખતમાં વિવાદાસ્પદ સમાચારોનું બાષ્પીભવન થઈ ગયું. પણ મારા મનમાં એ તરતા રહ્યા હતા. થોડા સમય પછી એ ફરી તરંગિત થયા કે આના પરથી નવલકથા લખી શકાય. ‘પૈસા કોના.’ બસ, આ વિષયવસ્તુને મજબૂત રીતે પકડીને લખવાનું શરૂ કર્યું અને અવતરી તદ્દન મૌલિક અને કાલ્પનિક નવલકથા – ખાખી મની.
તોફાની વરસાદી મધરાતે હાઈવે પર રમત રમતમાં આદરાયેલી રમત ક્યાં જઈને પહોંચે છે... એનો અંજામ શું આવે છે... એની આ કથા છે. લોકલ પોલીસ, ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસથી લઈને રૉ (રિસર્ચ ઍન્ડ એનાલિસિસ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)ની ભૂમિકાઓ સાથે વિસ્તરેલી-વિકસેલી આ નવલકથા જકડી રાખતું રહસ્ય તો છે જ... સાથે માનવીય સંબંધોની ગરિમાપૂર્ણ વાત પણ છે. આપણને ‘બ્લેક મની’ અને ‘વ્હાઇટ મની’ની ખબર છે,પણ ‘ખાખી મની’ શું છે... એ જાણવા આ નવલકથા વાંચવી રહી.
– અનિલ રાવલ