કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.”
પરંતુ…
એક હતી પટરાણી સત્યભામા!
જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!”
આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં આંખ પરોવી દૃઢ વિશ્વાસ સાથે કહી રહી છે કે :
ભલે હું રાધાની જેમ રાસ નથી રમી…
ભલે રુક્મિણીની જેમ મારું વરણ નથી થયું…
ભલે દ્રૌપદીની જેમ મને ‘કૃષ્ણા’ સંબોધન નથી મળ્યું…
ભલે જાંબવતીની વનસંસ્કૃતિનો સ્વીકાર થયો એવું મને માન નથી મળ્યું…
તો પણ,
કૃષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે અને મને જ કરે છે!
આ કથા સત્યભામાના કૃષ્ણની છે. આ કથામાં દ્વારકા છે, ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળો સરનામાં નહીં, પડાવ છે. કૃષ્ણને પામવાની સત્યભામાની અહીં પોતીકી યાત્રા છે.
અહીં કથાનાં પાને પાને સત્યભામા કૃષ્ણને કહે છે કે, “જો પ્રેમ વહેંચીને મહાન થવાતું હોય તો બળ્યું, મારે મહાન નથી થવું. કૃષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઊભી કરી દીધી, પણ નારીના મનનું તળિયું તો તમે માપી નથી શક્યા!”
યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી.
એ ક્યાંય નથી ગઈ, અહીં જ ઊભી છે, આજેય.
મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે – શાશ્વત!