આ પુસ્તકમાં પ્રારંભ કરવાથી લઈને યોગ્ય દિશામાં તૈયારી, સક્રિય રહીને સમસ્યા કે પડકાર આવે ત્યારે કઈ રીતે એને હાથ ધરવા, તકનું કામયાબીમાં રૂપાંતર, કરિયરમાં રોજગારક્ષમતા વિકસાવવી એટલે શું, દરેક બાબતમાં એટિટ્યુડ (અભિગમ)ની મૂળભૂત ભૂમિકા, માનવ સ્વભાવની ખાસિયત, એ ખાસિયતની અભિવ્યક્તિ કરતું માણસનું વર્તન અને સફળતા માટે ચાન્સ લેવાની વૃત્તિ રાખવાને બદલે સફળતાની પસંદગી (ચોઈસ) કરવી શા માટે અગત્યની છે એ સહિતના અનેક અગત્યના પરિબળોની પચાસ પ્રકરણમાં રસપ્રદ રીતે વ્યવહારુ (Practical) છણાવટ કરવામાં આવી છે.
આ પુસ્તક વાંચવાનું શરૂ કરો ત્યારે એમાંના દરેક પ્રકરણનો જે વિશેષ ઢાંચો છે એ પણ સમજી લેવો જરૂરી છે. વાંચવાનું રસપ્રદ નીવડે અને સાથે એમાંથી પોતાને જરૂરી હોય એ બાબતને સરળતાથી ગ્રહણ પણ કરી શકાય એ હેતુને ધ્યાનમાં રાખીને મોટાભાગે દરેક પ્રકરણની શરૂઆતમાં કોઈ રસપ્રદ વાર્તા, કોઈ રીઅલ લાઈફ સ્ટોરી કે પછી કોઈ પ્રયોગ કે સંશોધનના પરિણામને ટૂંકમાં રજૂ કરવામાં આવ્યા છે. એ પછી જે તે વિષય શું છે એની ટૂંકી છણાવટ કરી છે, એ સાથે જ એમાં આવરી લેવામાં આવેલા પગલાંને ગ્રહણ કરીને અમલમાં મૂકવા શું કરવું જોઈએ એને ચોકસાઈથી સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યું છે. શક્ય હોય ત્યાં એક ટેક અવે મેસેજ તરીકે કોઈ વિખ્યાત વ્યક્તિના અવતરણ કે કોઈ ચોટદાર વાત સાથે પ્રકરણને વિરામ આપ્યો છે. અપવાદરૂપ પ્રકરણ સિવાય દરેક પ્રકરણ લંબાણપૂર્વકનું ન થઈ જાય એની પણ ખાસ કાળજી રાખી છે, કારણ કે વર્તમાન સમયમાં લોકોને ટૂંકું અને મુદ્દાસરનું લખાણ વાંચવું અને સમજવું વધુ ગમે છે.