આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ. ઈશ્વરનું અસ્તિત્વ આપણા માટે આપનારનું છે, અથવા તો રક્ષકનું છે. પરમતત્ત્વ કે ઈશ્વર આપણી અંદર રહેલી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેનું પ્રતિબિંબ છે. આપણે જે માંગીએ તે જ આપણને મળે એવું અસ્તિત્વનું વચન છે. આ વાતની આપણને ખબર નથી અથવા ખબર છે તો એને આપણે ગંભીરતાથી લેતા નથી. જ્યારે આપણે વસ્તુઓ માટે અસ્તિત્વ પાસે હાથ ફેલાવીએ છીએ, ત્યારે અસ્તિત્વ પણ આપણને એ જ દુન્યવી ચીજોમાં ગૂંચવાયેલા રાખવાનું પસંદ કરે છે. આપણે જ્યારે સ્વયંને આ બધી રોજિંદી લાલચ અથવા સ્વાર્થથી ઉપર લઈ જઈ શકીએ છીએ ત્યારે અસ્તિત્વ આપણને એની સાથે જોડવામાં ગૌરવ અનુભવે છે. આપણે જે માંગીએ છીએ એની સાથે જોડાયેલી કેટલીયે વાતોની આપણને જાણ નથી હોતી. આપણે જ્યારે કોઈ નેમત, આશીર્વાદ, આવડત કે બીજાઓથી અલગ કલા માંગીએ છીએ ત્યારે અસ્તિત્વ એની સાથે જોડાયેલી પીડા પણ આપણે માટે લખી જ નાખે છે!
[ પુસ્તકના ‘દર્દ સે મેરા દામન ભર દે...’ લેખમાંથી ]