અધ્યાત્મને મળતી વૈજ્ઞાનિક દૃષ્ટિ
સચરાચર જગત જેમની યોગમાયા દ્વારા દૈદિપ્યમાન થઈને કર્તા અને કારણ બને છે તેવા અનંતકોટી સૂર્ય સમાન ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ સ્વયં અર્જુનને ગીતાજ્ઞાન આપે છે. અધ્યાત્મની શરૂઆત અને ઉચ્ચત્તમ અવસ્થા બંનેને સાથે રાખીને ચાલીએ ત્યારે સંજય હોય કે અર્જુન દિવ્યદૃષ્ટિ વગર ભગવદ્ પ્રાપ્તિ કેમ શક્ય બને? એ દિવ્યદૃષ્ટિ એટલે આંતરિક દૃષ્ટિ! જ્યાં પાંચ ઇન્દ્રિયો દ્વારા ચાલતા રથને મનની લગામ વડે નિયંત્રણમાં લાવીએ તો બુદ્ધિ સારથી બને છે. તે રથમાં બેસીને આત્મા બધું નિહાળ્યા કરે છે. ભગવાન બુદ્ધિથી પર છે એ સનાતન સત્ય છે કારણ કે બુદ્ધિ ભગવાનને પામી શકતી નથી, પણ જ્યારે ભગવાનમાં એકરૂપ થાય ત્યારે કંઈ જ અપ્રાપ્ય નથી રહેતું.