ઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં દેખાતા પ્રકાશિત તકતી કે ગોલક આકારના ભેદી મીન-મીન પ્રકાશનું રહસ્ય આજદિન સુધી વણઉકલ્યું રહ્યું છે. એ રહસ્યને ઉકેલવાની દિશામાં ભારતીય વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ સાહસની રોમાંચક યાત્રા એટલે ‘રહસ્યમય પ્રકાશ’. એ રોમાંચક યાત્રામાં આગળ વધતા પૃથ્વી પરના અન્ય કેટલાક રહસ્યો મીન-મીન પ્રકાશ સાથે જોડાય છે ત્યારે એ યાત્રા રોલર કોસ્ટર રાઇડ બને છે. જેમ જેમ પ્રકાશનું રહસ્ય ખૂલતું જાય એમ એમ નવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ ખીલતા જાય. સજ્જ વાચકો માટે સુખદ આંચકા છે અને નવ્ય વાચકો માટે કુતૂહલ યાત્રા. ગુજરાતી સાહિત્યમાં સાયન્સ ફિક્શન વાર્તાઓ વધુ લખાઈ નથી. એમાંય વિજ્ઞાનના પાયાના ખ્યાલો સરસ રીતે આવિર્ભાવ પામ્યાં હોય એવી હાર્ડકોર સાયન્સ ફિક્શન લખવાની દિશામાં ‘રહસ્યમય પ્રકાશ’ કદાચ પ્રથમ પ્રયત્ન હશે.