સ્વિત્ઝરલૅન્ડના જિનિવામાં સ્થિત વિશ્વના સૌથી મોટા ફિઝિક્સ રિસર્ચ સેન્ટર્સમાંના એક એવા–CERN–ના પ્રવેશદ્વાર પર મૂર્તિમાન નટરાજ એ વાસ્તવિકતા ઉજાગર કરે છે કે, સમસ્ત જગત શિવને હવે ‘વૈજ્ઞાનિક ઈશ્વર’ તરીકે સ્વીકારી રહ્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી શરૂ કરીને નિકોલા ટેસ્લા, સર જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજન્ સહિત ઇતિહાસમાં થઈ ગયેલાં તમામ મહાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યાં વિજ્ઞાનની સરહદનો અંત થાય છે ત્યાંથી અધ્યાત્મક્ષેત્રનો આરંભ થાય છે.
‘આનંદતાંડવ’ દેવાધિદેવના એ મહાનત્તમ અને પ્રચંડ ઊર્જા ધરાવતાં નિર્ગુણ-નિરાકાર સ્વરૂપને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો એક પ્રયાસ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથોસાથ અધ્યાત્મક્ષેત્રે મારા ઊંડાણપૂર્વકના સંશોધનોને કારણે વિજ્ઞાન અને ધર્મ મને બે વિરોધાભાસી અંતિમો નહીં, પરંતુ ક્ષિતિજરેખા સમાન પ્રતીત થયા છે. ભૌતિકવિજ્ઞાન અને અઘોરમાર્ગના ગહન અભ્યાસ અને પ્રયોગો બાદ મને એ સત્ય સમજાયું છે કે બંને એક જ સિક્કાની બે બાજુઓ છે.
આ પુસ્તક શિવનું શબ્દરૂપી આનંદતાંડવ છે, જેમાં વિજ્ઞાનસમષ્ટિ અને શૈવત્વના અદ્વૈતવાદને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ‘નમઃ શ્રેણી’નાં તમામ પુસ્તકો આજની નવી પેઢી માટે ધર્મ-અધ્યાત્મને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવામાં સહાયકરૂપ સાબિત થશે એની મને ખાતરી છે. આગામી દિવસોમાં જીવવિજ્ઞાનની સાથોસાથ શિવવિજ્ઞાનનો સમાવેશ પણ અભ્યાસક્રમોમાં થાય તો નવાઈ નહીં!