એક જ ઘા ને કટકા છે ત્રણ.
સમજણ માટે ગુજરાતી ભણ.
ગઝલ એટલે અસ્તિત્વના ઉત્સવનું તીર્થધામ. જે ઉમળકાથી ગોસ્વામી તુલસીદાસની ચોપાઈ ગાઉ છું, એ જ રીતે ગોસ્વામી હરદ્વારના શેર રજૂ કરું છું. મંદિરમાં ટોકરી વગાડતા વગાડતા હરદ્વારે ગઝલમાં ડંકા વગાડ્યા છે. સ્વબળે વિકસેલા અને વિસ્તરેલા હરદ્વારની ગઝલનું મેઘધનુષ્ય સીધું હૃદયને સ્પર્શે છે. ઓછું બોલતો હરદ્વાર ગઝલમાં ગાજે છે. ‘લખચોર્યાસી લાગણી’માં શોકથી શ્લોક સુધીનો વિસ્તાર છે. જેમ સાગરમાં કાંઠે બેસવાની મજા છે, પગ પલાળો તો ઓર મજા આવે, ડૂબકી મારો તો જલસો પડે અને મરજીવા બની તળિયે જાઉં તો તો અવર્ણનીય આનંદ. એમ હરદ્વારની ગઝલમાં જેમ ઊંડા ઉતારશો એમ શબ્દોના સાગરમાં ભીંજાતા જશો.
-મોરારિબાપુ