વ્યવસાયે તબીબ, ડૉ. રાધિકા રાહુલ ટિક્કુ ગવર્મેન્ટ ઑફ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તબીબી અધિકારી તરીકે ફરજ બજાવે છે. સાહિત્યમાં બાળપણથી ઊંડો રસ. ગ્રામીણ ક્ષેત્રે સ્ત્રીઓ અને બાળકોના સર્વાંગી વિકાસમાં સતત પ્રયત્નશીલ. તેઓ પ્રસિદ્ધિથી દૂર રહીને છેવાડાના લોકો અર્થે ‘ગાંધીનું તાવીજ’ બાવડે બાંધીને મૂકસેવકનું કાર્ય કરતા રહેવામાં લીન રહે છે. વલસાડના ‘શારદામઠ’ અને ‘નંદિગ્રામ’ સાથે સંકળાયેલા છે.
ગૂજરાત વિદ્યાપીઠથી એમ.એ. (ગાંધી વિચાર)ની પદવી સુવર્ણચંદ્રક સાથે એનાયત થઈ છે. વાંચન, લેખન, અલગારી રખડપટ્ટી એમનાં પ્રિય વિષયો છે અને રવીન્દ્ર અનુરાગિની અને ગાંધીજી, મહર્ષિ અરવિંદ એમનાં જીવનનાં સત્યમ્, શિવમ્, સુંદરમ્ છે. વલસાડ ખાતે તેમણે તા. 15-1-2015થી સાહિત્ય, સંગીત અને પ્રકૃતિના સંવર્ધન અર્થે ‘બુધસભા’ની સ્થાપના કરેલી છે. જીવનની દરેક અવસ્થામાં વિદ્યાર્થી બની રહેવું ગમે છે, તેથી વરસોથી વેદાંતનું અધ્યયન અને વાંચન-લેખન એમનાં શ્વાસમાં રહ્યા છે. ઘણાં પુસ્તકોની વાંચનયાત્રાએ એમનાં હૃદય પર અમીટ છાપ રચી છે. તેથી ફરી ફરીને ગમતાં પુસ્તકોનો સાથ રમણીય લાગતો રહ્યો છે. આમ દક્ષિણ ગુજરાતની લચીલી, નમેલી વનરાઈમાં આંતરિક સંગીત વધતું રહ્યું, અને વહેતા જીવનમાં સંવેદનાની શરણાઈ એમનાં નિજના સૂરમાં સૂર પુરાવતી રહી છે. વળાંક લેતા જીવનમાં પણ ઉતાર-ચડાવ, હર્ષ, વિષાદ, આંસુ, ચિંતન પાથેય રૂપે ઊમેરાતાં રહ્યાં, પણ મુગ્ધાવસ્થાની વય હજીયે અકબંધ છે.
કથક નૃત્યમાં તેમણે ઉપાન્ત્ય વિષારદ સુધી અભ્યાસ કરેલ છે. બાર જેટલાં પુસ્તકોમાં તેઓ સહલેખિકા છે. શ્રેષ્ઠ ચર્ચાપત્રી ઍવૉર્ડ, પારિજાત સાહિત્ય ઍવૉર્ડ મળ્યાં છે.